
અદાણી ગ્રૂપ શેરમાં ગુરુવારે સેલર સર્કિટ લાગતા 10 થી 20 ટકા સુધી કડાકો બોલાયો હતો. શેરબજાર ખુલવાની સાથે જ અદાણી પોર્ટ્સ શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગતા સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોર બન્યો હતો. તો અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં પણ 10 ટકાનો કડાકો બોલાયો હતો. અદાણી ગ્રૂપના શેરમાં કડાકાનું કારણ અમેરિકાના શેરબજાર નિયામકના ગંભીર આક્ષેપ છે.
ગુરુવારે શેરબજાર બીએસઇ ખુલતાની સાથે જ અદાણી પોર્ટ્સ અને સેઝ શેરમાં 10 ટકાની સેલર સર્કિટ લાગી અને ભાવ 1160 રૂપિયા ફ્રીઝ થઇ ગયો હતો. એટલે કે હવે ગુરુવારે સમગ્ર સેશન દરમિયાન અદાણી પોર્ટ્સ શેરનો ભાવ આ જ રહેશે. કંપનીની માર્કેટકેપ 250608 કરોડ રૂપિયા હતી. આ સાથે જ અદાણી પોર્ટ્સ સેઝ સેન્સેક્સનો ટોપ લૂઝર સ્ટોક બન્યો હતો. બુધવારે અદાણી પોર્ટ્સ શેરનો બંધ ભાવ 1289 રૂપિયા હતો.
અદાણી ગ્રૂપ શેર તૂટવાનું કારણ અમેરિકાના શેરબજાર નિયામકના ગંભીર આક્ષેપ છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના સહયોગીઓ પર સોલાર એનર્જી પ્રોજેક્ટ મેળવવા માટે લગભગ 265 મિલિયન ડોલર લાંચ આપવાનો આક્ષેપ મૂક્યો છે. આ સોલાર એનર્જી પ્રોજેક્ટમાં બે દાયકાના ગાળામાં 2 અબજ ડોલરનો નફો થવાની અપેક્ષા હતી. SECનો આરોપ છે કે ગૌતમ અદાણીએ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે.
આ મામલે જ્યારે ઇન્ટરનેશનલ મીડિયા એજન્સી રોયટર્સે અદાણી ગ્રૂપ સાથે આ મામલે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રુપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. SEC દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ લોકો ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની છેતરપિંડી વિરોધી જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે.એટલું જ નહીં, ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીન અને એઝ્યુર સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ફોજદારી આરોપો દાખલ કર્યા છે.
નોંધનીય છે કે ગૌતમ અદાણી અને અદાણી જૂથને અગાઉ યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો.