
અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી છે. કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકો એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસ.જી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો.ઘટનાની જાણ થતાં જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હોસ્પિટલ પહોંચ્યા બાદ શું કહ્યું?
અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ગંભીર બેદરકારીના કારણે બે દર્દીઓના મોત બાદ પણ હોસ્પિટલ દ્વારા કોઈ જવાબ ન મળતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. નીતિન પટેલ દ્વારા સમગ્ર બાબતે માહિતી મેળવવામાં આવી રહી છે.પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં.આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું.
શું છે સમગ્ર બનાવ?
મહેસાણાના કડી તાલુકાના બોરીસણા ગામમાં હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાંથી 19 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવવામાં આવ્યા હતાં.જ્યાં તમામ દર્દીની જાણ વિના એન્જોપ્લાસ્ટી કરવામાં આવી સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતાં. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગીરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યું છે. આ સિવાય અન્ય પાંચ જેટલા દર્દીઓ અત્યારે આઈસીયુની અંદર જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે.
હોસ્પિટલ ખાતે ગામ લોકોનો હોબાળો
ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો.જેમાં જવાબ આપવામાં ન આવતા ગ્રામજનો અને પરિવારજનો રોષે ભરાયા હતા.