
આણંદના વાસદમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર એક મોટો અકસ્માત સર્જાયો છે. અહીં નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી અત્યાર સુધીમાં એક શ્રમિકનું મોત થયું છે, ત્યાં જ બે મજૂરોને કાટમાળમાંથી બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ કાટમાળ નીચે વધુ શ્રમિક દટાયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ બ્રિજ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ છે.
પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થયો.
કામ દરમિયાન અચાનક પુલના પથ્થરનો મોટો ભાગ તૂટીને નીચે પડી ગયો હતો. દુર્ઘટના દરમિયાન સ્થળ પર કામ કરી રહેલા 5થી વધુ મજૂરો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી સામે આવી હતી, જેમાંથી એક મજૂરનું મોત નિપજ્યું છે તો બે મજૂરોને કાટમાળ નીચેથી બહાર નીકાળીને હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આ ઘટના બનતા જ અવાજ સાંભળીને નજીકમાં કામ કરતા લોકો મદદ માટે સ્થળ પર પહોંચી ગયા હતા. આ અંગે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
વહીવટીતંત્રે અકસ્માતની તપાસના આદેશ આપ્યા
માહિતી મળ્યા બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘટના સ્થળની આસપાસ બેરિકેડિંગ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોની હાલત સ્થિર છે. અકસ્માત બાદ આણંદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. સ્થાનિક પ્રશાસને અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પર કોંક્રીટના વિશાળ સ્લેબ નાખવામાં આવી રહ્યા હતા. આમાંથી એક સ્લેબ પડી ગયો હતો જેની નીચે કામદારો દટાયા હોઈ તેની આશંકા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. રાજુપુરા નજીક વાસદ નદી પાસે આ અકસ્માત થયો હતો.