આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર બનાના એન્ડ વેજિટેબલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મહિલાઓ માટે ફળો અને શાકભાજીની જાળવણી તથા મૂલ્યવર્ધન અંગે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ બાગાયત નિયામકની કચેરી, આણંદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલ ૨૮ મહિલાઓએ ભાગ લીધો હતો.મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા, સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપવા, નેતૃત્વ ક્ષમતા વિકસાવવા અને કુપોષણ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલાઓને રોજગારીલક્ષી તાલીમ સાથે સ્ટાઇપેન્ડ
તાલીમ દરમિયાન મહિલાઓને ફળો અને શાકભાજીનો બગાડ અટકાવવા, ખેતપેદાશોની યોગ્ય જાળવણી કરવા તથા તેમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ખાદ્યપદાર્થો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમાર્થી મહિલાઓને પ્રોત્સાહનરૂપે પ્રતિદિન રૂ. ૨૫૦નું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવ્યું હતું.
વિવિધ મૂલ્યવર્ધિત ખાદ્યપદાર્થો બનાવતાં શીખ્યાં
પાંચ દિવસીય તાલીમમાં મહિલાઓને આમળાની કેન્ડી, આમળાનો શરબત, આમળાનું જામ, મિક્સ શાકભાજીનું અથાણું, લસણનું અથાણું, ટામેટાનો સોસ અને ગ્રીન ચીલી સોસ બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.આ ઉપરાંત કાચી કેરીનું સિન્થેટિક શરબત, મિક્સ ફ્રૂટ જામ, કાચા પપૈયાની ટુટીફ્રુટી, ઓરેન્જ સિન્થેટિક શરબત, મિક્સ ફ્રૂટની ચટણી અને કેળાની વેફર જેવી વિવિધ બનાવટો તૈયાર કરવાની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
ઘરેથી ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની તક
ફળો અને શાકભાજીનું મૂલ્યવર્ધન કરીને મહિલાઓ પોતાના ઘરેથી જ નાના પાયે ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકે છે. અથાણાં, જામ, સોસ, શરબત અને અન્ય ખાદ્યપદાર્થોનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરવામાં આવે તો આવકનો નવો સ્ત્રોત ઊભો થઈ શકે છે.આ તાલીમ મહિલાઓને ખાદ્યપદાર્થોની જાળવણી, ઉત્પાદનની ગુણવત્તા અને રોજગારીલક્ષી કૌશલ્યો અંગે સમજ આપીને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થઈ શકે છે.
મહિલા સશક્તિકરણ અને કુપોષણ નિવારણ પર ભાર
ફળો અને શાકભાજીનો યોગ્ય ઉપયોગ, ખાદ્યપદાર્થોનો બગાડ ઘટાડવો અને પોષણ અંગે જાગૃતિ વધારવી એ આ પ્રકારની તાલીમના મહત્ત્વના પાસાં છે. ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને વ્યવસાયલક્ષી કૌશલ્યો મળે તો તેઓ પરિવારની આવકમાં યોગદાન આપી શકે છે અને સ્વરોજગારની દિશામાં આગળ વધી શકે છે.‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલો આ તાલીમ કાર્યક્રમ મહિલાઓમાં કૌશલ્ય વિકાસ, આત્મવિશ્વાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક ઉપયોગી પહેલ બની રહ્યો છે.





