
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતના વડનગરથી મેળવ્યું હતું. તેમણે વડનગર સ્કૂલમાં 9 થી 11 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આ શાળાનું નામ પ્રેરણા સ્કૂલ અથવા પ્રેરણા કેન્દ્ર રાખવામાં આવ્યું છે. પ્રેરણા કેન્દ્રને ગુજરાતના હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે આ શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ
આ શાળાની સ્થાપના 1888 માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. 2001 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે આ શાળા અચાનક ચર્ચામાં આવી હતી. ગુજરાત સરકારે તેને એક મોડેલ સ્કૂલ તરીકે વિકસાવ્યું છે. બાદમાં કેન્દ્ર સરકારે આ શાળાના અભ્યાસ પ્રવાસ માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલ શિક્ષણ મંત્રાલય હેઠળ આવે છે.
પ્રેરણા કાર્યક્રમની યોજના
દેશના વિવિધ ખૂણામાંથી બાળકો અહીં અભ્યાસ કરવા આવે છે. આ શાળામાં રહેવા અને ખાવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે 2023 માં પ્રેરણા કાર્યક્રમ યોજનાની જાહેરાત કરી હતી. 15 જાન્યુઆરી, 2024 થી દેશના 410 જિલ્લાઓના 820 વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે.
કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકાય?પ્રેરણા કેન્દ્રની મુલાકાત લેવા માટે સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકાય છે. આ માટે તમારે prerana.education.gov.in પર નોંધણી કરાવવી પડશે. આમાંથી 20 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને શિક્ષણ મંત્રાલય વિદ્યાર્થીઓને પસંદગી વિશે જાણ કરશે. પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને પ્રેરણા કેન્દ્રમાં મોકલવામાં આવશે.