
1 ઓગસ્ટ 2025થી ઘણા મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. જેમાં ક્રેડિટ કાર્ડ, UPI, LPG, CNG, બેંક રજાઓ અને હવાઇ ઇંધણના ભાવનો સમાવેશ થાય છે.
ક્રેડિટ કાર્ડ સંબંધિત ફેરફારો
ક્રેડિટ કાર્ડ સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરો છો, તો કેટલાક કો-બ્રાન્ડેડ કાર્ડ્સ પર મફત એર અકસ્માત વીમો 11 ઓગસ્ટથી સમાપ્ત થઈ જશે. અત્યાર સુધી, SBI, UCO બેંક, સેન્ટ્રલ બેંક, PSB, કરુર વૈશ્ય બેંક અને અલ્હાબાદ બેંક સાથે મળીને, અમુક ચોક્કસ કાર્ડ્સ પર રૂ. 50 લાખથી રૂ. 1 કરોડનું વીમા કવચ પૂરું પાડતું હતું. હવે, આ સુવિધા બંધ કરવામાં આવી રહી છે, જે કાર્ડધારકો માટે આઘાતજનક હોઈ શકે છે.
ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
LPG અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. દર મહિનાની જેમ 1 ઓગસ્ટે ઓઈલ કંપનીઓ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. જુલાઈમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ એલપીજીની કિંમત યથાવત રહી હતી. હવે એવી અપેક્ષા છે કે 1 ઓગસ્ટના રોજ LPG સસ્તું થઈ શકે છે, જે ઘરના બજેટ માટે રાહતદાયક રહેશે.
UPI પેમેન્ટ સંબંધિત નિયમોમાં ફેરફાર
1 ઓગસ્ટ, 2025થી UPI યુઝર્સ ટૂંક સમયમાં ચહેરા અથવા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકશે. આ નિયમ લાગુ થતાની સાથે UPI પેમેન્ટ કરવા માટે PINની જરૂરિયાત વૈકલ્પિક બની જશે.
ટ્રાન્ઝેક્શન સ્ટેટસ ચેક કરવાની લિમિટ:
જો કોઈ ચુકવણી અટકી જાય તો તમે એનું સ્ટેટસ ફક્ત 3 વાર જ ચેક કરી શકો છો. તેમાં પણ 90 સેકન્ડના ગેપ સાથે. બેલેન્સ ચેકિંગ લિમિટ: 1 ઓગસ્ટ, 2025થી તમે કોઈ પણ એક UPI એપથી દિવસમાં 50થી વધુ વખત તમારું બેંક બેલેન્સ ચેક નહીં કરી શકો. ઓટો-પે વ્યવહારોનો સમય: ઓટો-પે હવે દિવસના રેન્ડમ સમયને બદલે નિશ્ચિત સમય સ્લોટમાં થશે.
CNG અને PNGના ભાવમાં ફેરફાર
એપ્રિલ 2025 થી તેમની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે મુંબઈમાં CNG 79.50 રૂપિયા પ્રતિ કિલો અને PNG 49 રૂપિયા પ્રતિ યુનિટ હતો. હવે 1 ઓગસ્ટથી ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે.