
ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન દાખલ કરાયેલા રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચવા માટે 7 ફેબ્રુઆરીએ કોર્ટમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી.હવે આ દરખાસ્તને કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે, જેના કારણે આંદોલનના તત્કાલીન આગેવાનો માટે મોટી રાહત મળી છે.2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી હતી. આ આંદોલનના પડઘા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા.
તે સમયની ગુજરાત સરકાર દ્વારા આંદોલનકારીઓ સામે રાજદ્રોહ સહિતના કડક કેસો દાખલ કરવામાં આવ્યા હતા, જે હવે ભૂપેન્દ્ર પટેલ સરકારે પરત ખેંચી લીધા છે.આ સમાચાર પાટીદાર સમાજ માટે મહત્ત્વપૂર્ણ છે અને હવે આંદોલનના આગેવાનો માટે નવી રાજકીય સંભાવનાઓ ખૂલી શકે છે.આ મંજુરીથી હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા ચિરાગ પટેલ અને અલ્પેશ કથરિયા સહિતના તત્કાલીન પાટીદાર આંદોલનના નેતાઓને રાહત મળશે. સરકારે 7 ફેબ્રુઆરીએ સરકારે રાજદ્રોહ કેસ પરત ખેંચવા કોર્ટમાં દરખાસ્ત મુકી હતી.
જણાવી દઈએ કે, 2015 માં પાટીદાર સમાજને અનામત મળે તે માટે મોટુ આંદોલન કરવામાં આવ્યુ હતુ. ઓગસ્ટ 2015 માં અમદાવાદ ખાતે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં પાટીદારો એકત્ર થયા હતા. આ લોકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને અનામતની માંગણી કરી હતી.આ આંદોલનને વિખેરવા સરકારે લાઠીચાર્જ કર્યો હતો અને જવાબદાર યુવકો વિરૂદ્ધ રાજદ્રોહ સહિતના કેસ દાખલ કરાયા હતા.