
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (Guj RERA) ની બેન્ચે એક મહત્વનો ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે, જો સોસાયટીની કોમન એમીનિટીઝ નો મામલો હોય તો વ્યક્તિગત સભ્યો અથવા તો મિલકત ધારકો બિલ્ડર સામે ફરિયાદ કરી શકતા નથી. આમ અમદાવાદ શહેરના બોપલ આંબલી રોડ પર ફેલાયેલા સંકલ્પ ગ્રેસ-2 એપાર્ટમેન્ટના સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા દાખલ કરાયેલા દાવાને ફગાવી દીધો છે.
સોસાયટીના છ જેટલા સભ્યોએ ડેવલપર સામે બ્રોશરમાં જણાવ્યા મુજબની સુવિધાઓ તેમજ સામાન્ય સુવિધાઓને લગતી વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરી હતી. જોકે RERA એ આ આધાર પર દાવો ફગાવી દીધો કે વ્યક્તિગત મિલકત ધારકો સર્વિસ સોસાયટી વતી ફરિયાદો નોંધાવી શકતા નથી.સોસાયટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી અને અન્ય એલોટીઓને કાયદાકીય કાર્યવાહીમાં પક્ષકાર બનાવવામાં આવ્યા ન હતા. રેરાએ એમ પણ જણાવ્યું હતું કે અરજદાર તેમના કેસને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા છે.અરજદાર સોનલ પટેલ અને અન્ય પાંચ જેમણે સંકલ્પ ગ્રેસ-2 યોજનામાં મકાનો ખરીદ્યા હતા. તેઓએ રેરા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે બિલ્ડર દ્વારા જરૂરી ફી ચૂકવવામાં નિષ્ફળતાને કારણે નર્મદા પાણીનું જોડાણ બંધ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોરવેલમાંથી પાણી પૂરું પાડવામાં આવતું નથી. અરજીમાં ડેવલપર દ્વારા આપવામાં આવેલા વચન મુજબ પાર્કિંગની યોગ્ય સુવિધાના અભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેના પરિણામે ડી બ્લોકના રહેવાસીઓને તેમના વાહન બહાર રોડ પર પાર્ક કરવાની ફરજ પડી હતી.તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભોંયરામાં પાર્કિંગ સુવિધા અસુવિધાજનક હતી કારણ કે સાંકડી જગ્યાને કારણે મોટા વાહનોને ટર્ન લેવાનું મુશ્કેલ બને છે. ફરિયાદીઓએ જીમનેશિયમ, ફાયર સેફ્ટી, સુરક્ષા વ્યવસ્થા અને બ્રોશરમાં વચન આપવામાં આવેલ અન્ય સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. ડેવલપર જિંજર પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ એ આ આધાર પર અરજીનો વિરોધ કર્યો હતો કે ફરિયાદને બાકીના એલોટીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું અને તેથી કાયદા મુજબ ટકવા પાત્ર નથી. ફરિયાદકર્તાઓમાંના એક વ્યક્તિ મિલકતનો પ્રથમ ખરીદનાર પણ નથી અને તેથી તેને અરજીમાં સામેલ થવાનો કોઈ અધિકાર નથી. ડેવલપરે દલીલ કરી હતી કે નર્મદા જળ જોડાણ એ સુવિધા નથી અને બ્રોશરમાં તેનું વચન આપવામાં આવ્યું નથી. ફાળવણી કરનારાઓ તેમને ફાળવવામાં આવેલી પાર્કિંગ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે. તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેરાના સભ્ય એમએ ગાંધીએ અરજી ફગાવી દીધી હતી.