
અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ હુમલો થયો હતો અને હવે આ કેસને 10 દિવસ થઈ ગયા છે. જોકો આ કેસમાં દરરોજ નવા નવા અપડેટ્સ સામે આવતા રહે છે. અભિનેતા પર થયેલા હુમલા બાદ તેના ઘરમાંથી 19 ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા અને બાદમાં તેને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે તે ફિંગરપ્રિન્ટ આરોપી શરીફુલ ઇસ્લામની ફિંગરપ્રિન્ટ સાથે મેળ ખાતી નથી.
એનડીટીવીના એક અહેવાલ મુજબ મુંબઈ પોલીસે સૈફ અલી ખાનના ઘરેથી મળી આવેલી ફિંગરપ્રિન્ટ્સ રાજ્યના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ના ફિંગરપ્રિન્ટ બ્યુરોને મોકલી આપી હતી. આ પછી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે પ્રિન્ટ શરીફુલની પ્રિન્ટ સાથે મેળ ખાતી નથી. સીઆઈડીએ મુંબઈ પોલીસને જાણ કરી છે કે પરીક્ષણનું પરિણામ નેગેટિવ આવ્યું છે. હવે વધુ તપાસ માટે મુંબઈ પોલીસે વધુ સેમ્પલ મોકલ્યા છે.
ફોરેન્સિક એક્સપર્ટે પણ કર્યા નવા ખુલાસા
ફિલ્મીબીટના એક અહેવાલ મુજબ ફોરેન્સિક એક્સપર્ટ પ્રોફેસર દિનેશ રાવે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે લીલાવતી હોસ્પિટલની બાંદ્રા પોલીસને સુપરત કરવામાં આવેલા મેડિકો-લીગલ રિપોર્ટમાં જે ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ એવી નથી કે જેના પર ચાકુથી થઇ શકે છે. સાથે જ સૈફના ઘરમાં રહેતી સ્ટાફ નર્સે પોલીસને જણાવ્યું કે હુમલાખોરે લાકડી જેવી વસ્તુ અને હેક્સા બ્લેડ લઇ રાખી હતી.
લીલાવતી હોસ્પિટલના ડૉક્ટરોએ એવો દાવો કર્યો હતો કે તેમણે હુમલામાં વપરાયેલી છરીનો 2.5 થી 3 ઇંચનો ટુકડો અભિનેતાની કરોડરજ્જુની નજીકથી કાઢી નાખ્યો હતો. તે છરીની કેટલીક તસવીરો પણ બહાર આવી હતી. ત્યારબાદ પોલીસે દાવો કર્યો હતો કે તેઓએ સૈફના ઘરેથી છરીનો બીજો ટુકડો અને અંતિમ ટુકડો બાંદ્રા તળાવ નજીકથી મળી આવ્યો હતો, જ્યાં આરોપીઓએ ભાગતી વખતે તેને ફેંકી દીધો હતો.
આવી સ્થિતિમાં આ બધી વસ્તુઓ એકબીજા સાથે મેળ ખાતી નથી. વળી ફોરેન્સિક એક્સપર્ટ પ્રોફેસર દિનેશ રાવના નિવેદન પર હોસ્પિટલ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.