
બિગ બોસ 13 ફેમ અને કાંટા લગા ગર્લ ના નામથી પ્રખ્યાત અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનની મધરાતે નિધન થયું હતું. આ સમાચારે ચાહકોની સાથે સાથે આખી ઇન્ડસ્ટ્રીને પણ ચોંકાવી દીધી હતી. શેફાલી જરીવાલાના અચાનક નિધનના સમાચાર સાંભળીને પરિવાર અને મિત્રોની સાથે ઘણી સેલિબ્રિટીને મોટો આઘાત લાગ્યો છે. 28 જૂને અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેને હાર્ટ એટેક આવ્યો છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી.
આવી સ્થિતિમાં, અભિનેત્રીના મૃત્યુનું સાચું કારણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ દરમિયાન શેફાલી જરીવાલાના મોત સાથે જોડાયેલી એક મોટી અપડેટ હવે સામે આવી છે. ઈન્ડિયા ટીવીના રિપોર્ટ મુજબ અંબોલી પોલીસ સ્ટેશનના સૂત્રોએ તેની સાથે જોડાયેલી ઘણી મહત્વની જાણકારીઓ શેર કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને તપાસમાં કેટલાક મહત્વના તથ્યો મળ્યા છે.
અભિનેત્રીએ ખાલી પેટે ઇન્જેક્શન લીધું હતું?
શેફાલી જરીવાલા ઘણાં વર્ષોથી એન્ટી એજિંગ દવાઓ લેતી હતી. તો રિપોર્ટ અનુસાર, અભિનેત્રીના પરિવારે 27 જૂને એક પૂજા રાખી હતી, જેના માટે શેફાલી જરીવાલા એ પણ વ્રત રાખ્યું હતું અને આખો દિવસ ભૂખી રહી હતી. જો કે અભિનેત્રીએ બપોરે પોતાની એન્ટી-એજિંગ દવાનું ભારે ઇન્જેક્શન લીધું હતું. આવી સ્થિતિમાં હવે પોલીસ તપાસમાં અધિકારીઓ તેને કાર્ડિયાક અરેસ્ટ પાછળનું મોટું કારણ માની રહ્યા છે. જોકે, અસલી ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ થશે.
27 જૂને શું થયું?
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 27 જૂનની રાત્રે શેફાલી જરીવાલાને અચાનક કંપારી લાગી અને તે જમીન પર પડી ગઈ. તે સમયે તેના પતિ સાથે પરિવારના અન્ય સભ્યો ઘરમાં હાજર હતા. આ સાથે જ પોલીસની એફએસએલની ટીમને શેફાલી જરીવાલાના ઘરેથી એન્ટી એજિંગ દવા, બ્યુટી ઓઇલ અને ગેસ્ટ્રોને લગતી દવાઓ સહિતની દવાઓ મળી આવી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુરક્ષિત
એક પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ મૃત્યુના કારણ અંગેનો કારણો સુરક્ષિત રાખવામાં આવ્યો છે.” પ્રારંભિક માહિતીના આધારે, તે કુદરતી મૃત્યુ હોવાનું જણાય છે અને તેમાં કોઈ ગરબડી નહોતી. આ ઉપરાંત એએનઆઈના જણાવ્યા મુજબ શેફાલી જરીવાલાના પોસ્ટ મોર્ટમ બાદ હવે તેનો રિપોર્ટ રિઝર્વ રાખવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ ગ્રેટર મુંબઈ (એમસીજીએમ)ના જણાવ્યા અનુસાર, પોસ્ટ-મોર્ટમ રાજ્ય સરકારના એક ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ પોતાનો અભિપ્રાય સુરક્ષિત રાખ્યો છે.