
વિસાવદર પેટા ચૂંટણી 2025 પરિણામ જાહેર થતાં ગોપાલ ઇટાલિયા 17 હજાર મતની ભાર સરસાઇથી વિજયી બન્યા છે. ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર નિરાશ થઇ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવા સફળ રહ્યા છે. ભાજપ આ બેઠક પર વિકાસનો મંત્ર જનતા સુધી પહોંચાડવામાં કેટલેક અંશે અસફળ રહ્યું.
વિસાવદર વિધાનસભા ચૂંટણી 2022 માં આ બેઠક પર આમ આદમી પાર્ટીને જીત મળી હતી. ભૂપેન્દ્રભાઇ ભાયાણી આ બેઠક પરથી જીત્યા હતા. જોકે એ બાદ તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી. જે માટે પેટા ચૂંટણી યોજાઇ હતી. જેનું પરિણામ આજે જાહેર થતાં ફરી એકવાર પ્રજાએ આમ આદમી પાર્ટી પર ભરોસો વ્યક્ત કર્યો છે.
ગોપાલ ઈટાલિયા વિજયી, 17 હજારની લીડ
આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિસાવદર પેટા ચૂંટણી 2025 માં વિજયી બન્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના હરિફ ઉમેદવાર કિરીટ પટેલ સામે 17554 મતની સરસાઇથી જીત મેળવી છે. ગોપાલ ઇટાલિયાને 75942 મત મળ્યા હતા. કિરીટ પટેલને 58388 મત મળ્યા જ્યારે કોંગ્રેસના નિતીન રાણપરિયાને 5501 મત મળ્યા છે.
વિસાવદર પેટા ચૂંટણી 2025 માં આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર જીત યથાવત રાખવા માટે ગોપાલ ઇટાલિયા પર ભરોસો વ્યક્ત કરી ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે આ બેઠક પર જીત મેળવવા માટે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. કોંગ્રેસ તરફથી નિતિન રાણપરીયાએ ઝંપલાવ્યું હતું.
ત્રિપાંખિયા જંગમાં છેવટે જનતાએ ફરી એકવાર આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભાજપને ફરી એકવાર નિરાશ મળી છે. ગોપાલ ઇટાલિયા જનતાનો ભરોસો જીતવામાં સફળ રહ્યા છે જ્યારે ભાજપના ઉમેદવાર પ્રજામાં વિકાસનો મંત્ર પહોંચાડવામાં કેટલેક અંશે અસફળ સાબિત થયા. ચૂંટણી પરિણામ જોતાં કોંગ્રેસ જીતની રેસમાં ઘણે પાછળ દેખાયું.
અહીં નોંધનિય છે કે, વિસાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટી જીત માટે જાણે તરસી રહી છે. ભાજપને આ બેઠક પર છેલ્લે 2007માં જીત મળી હતી. એ પછી ભાજપ અહીં ક્યારેય જીત્યું નથી. આ પેટા ચૂંટણીમાં પણ ભાજપ અહીં પ્રજાનો ભરોસો જીતવામાં અસફળ રહ્યું છે.