
• રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને આર્ટ ઓફ લીવીંગના શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરક ઉપસ્થિતિ
• ગુજરાતમાં 10 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે – રાજયપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતા અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત હોય છે. જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જેને પરિણામે કેન્સર, હ્રદયરોગ અને મધુપ્રમેહ જેવી બિમારીઓ વધી છે. આ બધામાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, તેમ જણાવતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ઉમેર્યું કે, ગુજરાતમાં 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. રાજ્ય સરકારે મિશન મોડ પર પ્રાકૃતિક કૃષિ અભિયાન ઉપાડ્યું છે, જે ઝડપભેર આગળ વધી રહ્યું છે.
વાસદ SVIT કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને આધ્યત્મિક ગુરુ રવિશંકરજીની હાજરીમાં પાંચ હજાર લોકો દ્વારા માત્ર 60 મિનિટમાં 2.50 લાખ સીડબોલ બનાવી પર્યાવરણ ક્ષેત્રમાં અનોખી પહેલ શરૂ કરી હતી. આ એક વર્લ્ડ રેકોર્ડ છે, જેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ અંગેનું પ્રમાણપત્ર આર્ટ ઓફ લીવીંગના રવિશંકરજીને અર્પણ કરવામાં આવ્યું હતુ.
આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન દ્વારા વાસદ ખાતે “સીડ ધ અર્થ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ હજારથી વધુ લોકો ભેગા મળીને માત્ર 60 મિનિટમાં2.50 લાખ સીડ બોલ તૈયાર કરી હરિત ભારતના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સીડબોલ બનાવવાનો તથા સીડબોલ ટ્રેનો ઉપયોગ કરીને સૌથી લાંબુ સ્લોગન બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો.
રાજ્યપાલ દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુદેવ રવિશંકરજીએ આધ્યાત્મિક રીતે માનવતાનો માર્ગ પ્રશસ્ત કરવા સાથે પર્યાવરણને બચાવવાનું પણ બીડું ઝડપ્યું છે. પર્યાવરણના રક્ષણ માટે મહત્તમ વૃક્ષો વાવવા જરૂરી છે.
રાજ્યપાલએ ઉમેર્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે ધરતી માતાનું સ્વાસ્થ્ય બગડ્યું છે. જેને પરિણામે ધરતી માતા બિન ઉપજાઉ બની છે. એટલું જ નહીં પ્રકૃતિનું દોહન થઈ રહ્યું છે.આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિશંકરજીએ દિપાવલી પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, સારા અન્નનું દાન કરવા માટે સારા બીજનું હોવું પણ અત્યંત જરૂરી છે. આજે આપણો દેશ આઝાદ છે, પરંતુ બીજના ક્ષેત્રમાં આપણે હજુ ગુલામ જ છીએ. આ ગુલામીમાંથી બહાર આવવા માટે આપણે બીજના સંરક્ષણનું કાર્ય કરવું જ પડશે.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલ, દેવુસિંહ ચૌહાણ, કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સી.કે. ટીંબડિયા, આર્ટ ઓફ લિવિંગના સેજલ સ્વામી સહિત એસ.વી.આઈ.ટી. કોલેજના અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ અને રવિશંકરજીના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.