
નરોડા પાટીયા વિસ્તારમાં લુંટના ઇરાદે થયેલ હત્યા મામલે સરદારનગર પોલીસે એક સગીર આરોપી સહિત 5 આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી. ઉલ્લેખનીય છે કે આરોપીએ મૃતક પાસે પૈસા માંગતા ન આપતા હત્યા કરાઈ હતી.
અમદાવાદમાં ફરી એક વખત રીઢા ગુનેગારોએ રસ્તે જતા રાહદારી પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. જો પોલીસ ચોપડે નોંધાયેલા ફરિયાદની વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા ની રાત્રે નરોડા પાટિયા રોડ પર બે અલગ અલગ રાહદારીઓ પર ગુનેગાર તત્વોએ છરી થી હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને રાહદારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાત્રિના સમયે નોકરી પૂરી કર્યા બાદ ઘરે જઈ રહેલા ભરત ઠાકોર અને શિવપ્રસાદ ગોસાઈ નામના રાહદારી પર આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભરત ઠાકોરનું મોત નિપજ્યું હતું જ્યારે શિવપ્રસાદને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મૃતક ભરત ઠાકોર ખાનગી કંપનીમા લક્ઝરી બસ ચલાવે છે અને બસ મૂકી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મૃત્યુ થયુ, તો અન્ય એક ઇજાગ્રસ્ત શિવપ્રકાશ ગોસાઈ અગરબત્તી વેચવાનું છૂટક કામ કરે છે. સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા સીસીટીવી તેમજ આસપાસના લોકોની પૂછપરછમાં ચારથી પાંચ જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે હુમલો કરનારા સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે હુમલો અને હત્યા કરનારા મુખ્ય આરોપી અભય પરમાર, રાજુ સોલંકી, સુનિલ રાઠોડ, હિતેન ઉર્ફ હિતેશ રાઠોડ તેમજ અન્ય એક સગીરની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી અભય પરમાર છે. અભય પરમાર જ્યારે સગીર હતો ત્યારથી ગુનાહીત પ્રવૃત્તિ કરતો આવ્યો છે અને સગીર હતો ત્યારે જેલવાસ ભોગવી ચૂક્યો છે. આરોપી અભય વિરુદ્ધ અગાઉ હત્યા, મારામારી સહિતની 6 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપી અભય પરમાર કુબેરનગર માર્કેટમાં છૂટક મજૂરીકામ કરે છે.
અન્ય આરોપી રાજુ સોલંકી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે રાજુ સોલંકી પણ કુબેરનગર શાકમાર્કેટમાં મજૂરી કામ કરે છે. આરોપી સુનિલ રાઠોડ મૂર્તિ બનાવવાનું છૂટક કામ કરે છે અને તે અવારનવાર હૈદરાબાદ ખાતે મૂર્તિ બનાવવા જતો હોય છે. આરોપી હિતેન ઉર્ફ હિતેશ નરોડા જીઆઇડીસી માં ક્રિષ્ના ગોડાઉનમાં નોકરી કરે છે અને પારલે બિસ્કીટની ગાડીમાં માલ લોડિંગ અનલોડીંગનું કામ કરે છે. ચારેય આરોપીઓમાંથી મુખ્ય અભય પરમાર અને રાજુ સોલંકી છે. ચારેય આરોપીઓ પૈસા માટે રાહદારીઓને ઉભા રાખે છે અને મોબાઈલ અથવા પૈસાની લૂંટ ચલાવવાની વૃત્તિવલાં છે . જે કોઈપણ રાહદારી વિરોધ કરે છે તેના પર છરી વડે હુમલો કરતા હતા જે સમયે આ બનાવમાં હત્યા થવા પામી હતી.
હાલ તો સરદારનગર પોલીસે ફરિયાદને આધારે સગીર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે, ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે હુમલો કરનારા આરોપીઓ દ્વારા અન્ય કોઈ રાહદારીને પોતાનો નિશાન બનાવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.