અમદાવાદ શહેરમાં કાંકરિયા કાર્નિવલની શરૂઆત વર્ષ 2008માં ત્યારના મુખ્યમંત્રી અને તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવી હતી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કાંકરિયા કાર્નિવલનું એક અઠવાડિયાથી વધુ સમય સુધી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મનોરંજન કેન્દ્ર તરીકે વિકાસ થયેલ કાંકરિયા તળાવ ખાતે નગરજનોના મનોરંજન માટે કાંકરિયા કાર્નિવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15માં કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન તા.25 થી 31 ડિસેમ્બર, 2024 દરમિયાન કરવામાં આવ્યું છે. કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન મુલાકાતીઓને કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં વિના મુલ્યે પ્રવેશ આપવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ 2024 દરમિયાન સાતેય દિવસ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
15માં કાંકરિયા કાર્નિવલ 2024ના પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કુલ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા 1000 જેટલા બાળકો દ્વારા સામૂહિક રીતે એક સાથે કેન્ડી/ચોકલેટ ખોલીને અને તેને સંપૂર્ણ ખાઈને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તેમજ થીમ બેઝ કાર્નિવલ પરેડ તેમજ વિકસિત ગુજરાત વિકસિત ભારત થીમ આધારીત કાર્નિવલ હંગામા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, લેસર શૉ અને ડ્રોન શૉનું આયોજન કરવામાં આવેલ છે.
કાંકરીયા કાર્નિવલ 2024 દરમિયાન નગરજનોના મનોરંજન માટે સાતેય દિવસો દરમ્યાન વિવિધ રંગારંગ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો અંતર્ગત જાણીતા કલાકરો જેમ કે, સાંઈરામ દવે, ગીતાબેન રબારી, કિંજલ દવે, રાગ મહેતા, ઈશાની દવે, કૈરાવી બુચ, પ્રિયંકા બાસુ, અપેક્ષા પંડ્યા, દેવિકા રબારી દ્વારા ગીત સંગીત તેમજ લોક ડાયરાના કાર્યક્રમો રજુ કરવામાં આવશે.






