
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવી જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે મોટા અપડેટ આવ્યા છે. એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા છે. જોકે, જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના છે. સરકારને 11000 જેટલી વાંધા અરજીઓ જંત્રીના ફેરફાર માટે મળી હતી. આ અરજીઓ પૈકી 6000 જેટલી અરજીઓ જંત્રી ઘટાડો કરવા માટે સરકારને મળી છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય થતા જંત્રીના નવા દર જાહેર કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં બજેટમાં જાહેર થયેલી યોજનાઓ અને બજેટના અમલીકરણ પર ચર્ચા થઈ હતી. ચાલુ સત્રના કામો સંદર્ભે કેબિનેટમાં ચર્ચા કરાઈ હતી. નવી જંત્રી અને તેને લાગુ કરવા સંદર્ભે કેબિનેટમાં મહત્વની ચર્ચા થઈ હતી. જેમાં જંત્રીના ભાવમાં ઘટાડો કરવા અંગે ચર્ચા થઈ હતી. બેઠકના અંતે નિર્ણય લેવાયો કે, જંત્રીના નવા દર જાહેર કરવામાં આવશે.
આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 4900 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. , શરૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંગી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે 20/12/2024 સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઈને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વાંધા – સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીના સૂચિત દરો જાહેર કર્યા બાદ સમગ્ર રાજ્યમાં જંત્રીના દરમાં જંગી વધારો સૂચવાયો છે. સરકારે બજેટમાં જંત્રી વધારા મામલે રાહત આપતી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે 1લી એપ્રિલથી નવા દરો અસ્તિત્વમાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં છેલ્લે વર્ષ 2011માં જંત્રીના સરવે બાદના નવા દરો લાગુ થયા હતા. તે પછી વર્ષો સુધી સરવે નહીં થયા બાદ બે વર્ષ અગાઉ સરકાર દ્વારા જંત્રીના બમણા દરો લાગુ કર્યા હતા અને તે પછી સમગ્ર રાજ્યમાં વેલ્યુ ઝોન નક્કી કરી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીનો સરવે કરવામાં આવ્યો છે. સ્થળ, સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોના વેચાણ સહિતની વિગતો એકત્રિત કરીને ગત નવેમ્બર માસમાં જંત્રીના સૂચિત દરો જાહેર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા.