
હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ છે. પંચાગ મુજબ વર્ષમાં કુલ ચાર વખત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બે ગુપ્ત નવરાત્રી છે, જે તંત્ર સાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અન્ય બે નવરાત્રીને ચૈત્ર અને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની એકમથી થતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે.
નવ દિવસ સુધી ચાલનારી આ નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ સાથે કળશની સ્થાપના કરીને ઉપવાસ પણ કરાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 નહીં માત્ર 8 દિવસની છે, જે 30 માર્ચથી શરૂ થઈ રહી છે. આવો જાણીએ ચૈત્ર નવરાત્રી ક્યારે છે અને કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે.
ચૈત્ર નવરાત્રી 2025 તારીખ
હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 માર્ચની સાંજે 4.27 વાગ્યાથી શરૂ થાય છે, જે 30 માર્ચે બપોરે 12.49 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી શરૂ થઈ રહી છે, જે 7 એપ્રિલ 2025ના રોજ પૂરી થશે.
ચૈત્ર નવરાત્રી કળશ સ્થાપના મુહૂર્ત 2025
પ્રથમ મુહૂર્ત – 30 માર્ચ 2025ના રોજ સવારે 06:13 થી સવારે 10:22 વાગ્યા સુધીનું છે.બીજું મુહૂર્ત – ઘટસ્થાપનાનું અભિજીત મુહૂર્ત બપોરે 12:01થી 12:50 સુધી છે.
ચૈત્ર નવરાત્રી 9 દિવસ નહીં પરંતુ 8 દિવસ રહેશે
હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ચૈત્ર નવરાત્રી પુરા 9 દિવસ નહીં પરંતુ 8 દિવસની રહેશે. ચૈત્ર નવરાત્રીમાં પાંચમનો ક્ષય થઇ રહ્યો છે આથી 8 દિવસ સુધી નવરાત્રી રહેશે.