
ગુજરાતમાં મોટા ભાગની જગ્યાઓ પર ધુમ્મસ છવાયેલું જોવા મળે છે આ સાથે જ હવે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે. રાજ્યમાં 15.8 ડિગ્રી સુધી લઘુતમ તપામાન પહોંચી ગયું છે.
ગુજરાતમાં હવે શિયાળો ધીમે ધીમે પોતાનો રંગ દેખાડી રહ્યો છે. રાજ્યના તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં મોટા ભાગની જગ્યાઓ પર ધુમ્મસ છવાયેલું જોવા મળે છે આ સાથે જ હવે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં 15.8 ડિગ્રી સુધી લઘુતમ તપામાન પહોંચી ગયું છે.
15.8 ડિગ્રી સાથે નલિયા બન્યું ઠંડુગાર
જેમ જેમ નવેમ્બર મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં 15.8 ડિગ્રી થી લઈને 26 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહ્યું હતું. જેમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો ચમકારો
અમદાવાદ શહેરમાં 18.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જોકે, વહેલી સવારે રસ્તાઓ ઉપર ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું. અને સવારે તેમજ મોડી સાંજે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે. ઠંડી વધવાના કારણે શહેરમાં લોકો હવે સ્વેટર પહેરતા પણ નજરે ચડે છે.
ડિસેમ્બર મહિનાની શરુઆતથી જ પડવા લાગશે કડકડતી ઠંડી
હવામાન વિભાગ પ્રમાણે ડિસેમ્બર મહિનો શિયાળાનો મહિનો છે આ મહિનાથી જ ઠંડી પડવાનું શરુ થતું હોય છે. બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે ગુજરાત ઉપર પણ અસર થશે. આગામી દિવસોમાં ઠંડા પવનો ફૂંકાશે અને ડિસેમ્બરની શરુઆતથી જ કડકડતી ઠંડી પડવાનું શરું થશે. ગુજરાતમાં હજી પણ તાપમાન નીચું જશે.