
સામાન્ય રીતે દિવાળીમાં ઠંડીની થોડી શરૂઆત થઇ જતી હોય છે. આ વખતે ગરમીનો પારો ઉપરથી નીચે આવવાનું નામ જ નથી લેતો. અનેક શહેરોમાં વધુ તાપમાન નોંધાઇ રહ્યો છે. જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન ઘટી 20 ડિગ્રીની આસપાસ પહોંચતા લોકોને વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. પરંતુ હજુ મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહે છે એટલે બપોરે ગરમી જ લાગે છે. આમ હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે હવે થોડા દિવસોમાં ઠંડી દસ્તક આપશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી આપવામાં આવી છે. જ્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ચારથી પાંચ દિવસ મોટા ફેરફાર થવાની આગાહી નથી. હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યા છે.આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેશે. આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી રહેવાની આગાહી આપવામાં આવી છે.