
ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એ અમદાવાદમાં ડબ્બા ટ્રેડિંગ ઓપરેટર મેઘ શાહના ઘરે દરોડા પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદાના પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી ડબ્બા ટ્રેડિંગ કરનાર મેઘ શાહના ઘરે સર્ચ ઓપરેશન દરમિયાન 95 કિલો જેટલું સોનું અને 1 કરોડ 30 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ મળી આવતા તપાસ એજન્સી પણ ચકિત થઇ ગઇ હતી. તપાસ દરમિયાન મળેલા અમુક દસ્તાવેજો અને બ્રાન્ડેડ ઘડિયાળ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
મુંબઇના શેર દલાલ મેઘ શાહનું ગુજરાત કનેક્શન
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ મુંબઇના શેર દલાલ મેઘ શાહ ગુજરાતના બનાસકાંઠાના જેડતા ગામનો વતની છે. આ કેસમાં મેઘ શાહના પિતા મહેન્દ્ર શાહની પણ સંડોવણી સામે આવી છે, જે શેરબજારમાં ઓપરેટર તરીકે કામ કરે છે. આ કેસમાં મેઘ શાહે અમદાવાદના પાલડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી સ્ટોક ટ્રેડિંગ અને ડબ્બા ટ્રેડિંગ ઓપરેટરનું કામ કરતો હતો. મેઘ શાહના ફ્લેટ પર લોકોની અવરજવર વધી જતા સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી. ગુજરાત એટીએસ એ બાતમીના આધારે મેઘ શાહના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા.
તપાસ એન્જસી DRI અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે સંયુક્ત રીતે મેઘ શાહના પાલડી સ્થિત ફલેટ પર સોમવાર 17 માર્ચ, 2025ના રોજ દરોડા પાડ્યા હતા. મેઘ શાહના ઘરે સર્ચ ઓપરેશન લગભગ 17 સુધી ચાલ્યું હતું. આ દરોડામાં 95 કિલો સોનાના બિસ્કિટ અને 1 કરોડ 30 લાખ રૂપિયાથી વધારે રોકડ રકમ મળી આવતા તપાસ એજન્સી પણ ચોંકી ગઇ હતી. હાલના બજાર ભાવે આ સોનાનું મૂલ્ય 100 કરોડ રૂપિયાથી વધારે આંકવામાં આવ્યું છે. એવું મનાય છે કે, સોનું અને રોકડ રકમ છુપાવવા માટે મેઘ શાહે ફલેટ ભાડે રાખ્યો હતો. આ કેસમાં ડીઆરઆઈ અને એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મોટા નફાની લાલચ આપી શેરમાં રોકાણ કરાવતો
મેઘ શાહ રોકાણકારોને મોટા નફાની લાલચ આપી શેરમાં રોકાણ કરાવતો હતો. જો કે ત્યારબાદ શેરના ભાવ ઘટી જતા રોકાણકારોને જંગી નુકસાન થયું હતું. શેરબજાર ઓપરેટરની આડમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ બહાર આવ્યું છે.