
અમદાવાદનું સૌથી જૂનું રેલ્વે સ્ટેશન, કાલુપુર રેલ્વે સ્ટેશનની સંપૂર્ણપણે કાયાપલટ થવા જઈ રહી છે. અમદાવાદમાં કાલુપુર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ કાર્ય ઝડપી ગતિએ પૂર્ણ થઈ રહ્યું છે. આ રેલ્વે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવા માટે રિડવલોપમેન્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કાલુપુર રેલ્વે સ્ટેશનનું નવીનીકરણ ગયા વર્ષે જૂનમાં શરૂ થયું હતું. તે જૂન 2027 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આવામાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જૂના સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા કરી છે.
રેલ્વે મંત્રીએ વીડિયો શેર કર્યો
રેલ્વે મંત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં કાલુપુર રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ પછીનો હેરિટેજ લુક બતાવવામાં આવ્યો છે. આ પ્રસંગે રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે મોદી સરકાર ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક સ્મારકોના જતન માટે પ્રતિબદ્ધ છે. કાલુપુર રેલ્વે સ્ટેશન પરના હેંગિંગ ટાવરને ધ્યાનમાં રાખીને, કેટલાક ઈનોવેશન કરવામાં આવ્યા છે.
ગુજરાતની સંસ્કૃતિ પર આધારિત હશે રેલ્વે સ્ટેશન
મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) ટાવરનો પાયો નાખવામાં આવ્યો છે. આ પછી દર 20-25 દિવસે એક માળ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત એલિવેટેડ રોડ ટાવર બનાવવામાં આવ્યા છે, જે પરિવહનને સરળ બનાવશે. અમદાવાદ રેલ્વે સ્ટેશન ગુજરાતની સંસ્કૃતિ પર આધારિત છે જ્યારે આગળનો ભાગ અમદાવાદના સાંસ્કૃતિક વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે જો ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવા દેશોમાં આવા રેલ્વે સ્ટેશન રિડવલોપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તો તેને પૂર્ણ થવામાં 10 થી 12 વર્ષનો સમય લાગે છે. જોકે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કામની ગતિ કંઈક અલગ છે.
રિડવલોપમેન્ટ પછી કાલુપુર રેલ્વે સ્ટેશન પર 12 પ્લેટફોર્મ હશે. દરેક પ્લેટફોર્મ પર 4 લિફ્ટ અને 4 એસ્કેલેટર હશે. આમ કુલ 24 લિફ્ટ, પાંચ સીડી અને 4 કાર લિફ્ટ હશે. આ રેલ્વે સ્ટેશન પર ભૂગર્ભ મેટ્રો, મધ્યમાં ટ્રેન અને ટોચ પર બુલેટ ટ્રેન સ્ટેશન હશે. આ દેશનું પહેલું રેલ્વે સ્ટેશન હશે જ્યાં પરિવહનના ત્રણેય માધ્યમો એક જ જગ્યાએ ઉપલબ્ધ હશે. આ ઉપરાંત BRTS, AMTS, ઓટો અને ટેક્સી જેવી તમામ પ્રકારની પરિવહન સુવિધાઓ એક જ જગ્યાએથી પૂરી પાડવાની યોજનાને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવી રહ્યું છે.