
ગત મહિને અમદાવાદમાં સર્જાયેલી એર ઈન્ડિયાની વિમાની દુર્ઘટના અને વિમાનમાં પ્રવાસ કરનાર 241 સહિત 260 લોકોના ભોગ લેનાર આ કરૂણાંતિકાનો પ્રાથમિક રિપોર્ટ એવીએશન એકસીડેન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યુરોએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સુપ્રત કરી દીધો છે અને આખરી રિપોર્ટ હજુ ત્રણ માસમાં આવશે.
રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના 241 મુસાફરો અને ક્રુમેમ્બરો આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા જયારે એર ઈન્ડિયાની ફલાઈટ નં. એઆઈ171 અમદાવાદથી લંડન જઈ રહી હતી અને તે અમદાવાદના વિમાની મથકેથી ટેકઓફ થયા બાદ મીનીટોમાં જ તે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને વિમાન નજીક જ જમીન પર તૂટી પડયુ હતું તથા ધડાકા સાથે તેમાં આગ ફાટી નીકળી હતી.
જેમાં માત્ર એક મુસાફર જીવિત રહ્યા હતા જયારે વિમાનનો કાટમાળ જમીન પર પડતા ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયાનું જાણવા મળેલ છે. આ દુર્ઘટનામાં વિમાનના બંને એન્જીન એક સાથે નિષ્ફળ ગયા હોવાનું પ્રાથમીક રીતે બહાર આવ્યુ હતું પરંતુ તેમાં હવે આ રિપોર્ટ પર સૌની નજર છે.
આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ કરાઈ રહેલી તપાસમાં બ્લેકબોક્ષ અને કોકપીટ વોઈસ રેકોર્ડર અને ફલાઈટ ડેટા રેકોર્ડર આ તમામની ચકાસણી થઈ છે. આ તપાસમાં એરફોર્સ, હિન્દુસ્તાન એરોનેટીક લી., અમેરિકી નેશનલ ટ્રાન્સપોર્ટ સેફટી બોર્ડ અને બોઈંગના અધિકારીઓ પણ જોડાયા હતા.
આ ઉપરાંત નેશનલ એરટ્રાફિક કંટ્રોલ દ્વારા પણ તપાસમાં અધિકારીઓ મોકલવામાં આવ્યા હતા અને તેના આધારે સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ આખરી રિપોર્ટ ત્રણ માસમાં મળશે. હવે સરકાર આ પ્રાથમીક રિપોર્ટ જાહેર કરે છે કે કેમ તેના પર સૌની નજર છે.