
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ ડ્રાઇવ યોજીને અસામાજિક તત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. છતાં પણ કેટલાક પોલીસ કર્મચારીઓએ જાણે કે ના સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. પોલીસ વિભાગને લાંછન લાગે તેવું કામ કરી રહ્યા છે. પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને રજૂ કરવા તેમજ પાસા નહીં કરવા માટે રૂપિયા 5.30 લાખની લાંચ માંગવામાં આવી હતી.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા કાન્હા રેસ્ટોરન્ટ પાસે ખુલ્લી જગ્યામાં ટ્રેપ કરી એસીબીએ કોન્સ્ટેબલ વતી લાંચ સ્વીકારતા વચેટિયા રંગેહાથે ઝડપી પાડ્યો છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા પ્રોહિબિશનના ગુનામાં એસીબીના ફરિયાદીને વોન્ટેડ બતાવેલ હતો. જે ગુનામાં આરોપીને રજૂ કરવા માટે તેમજ પાસા નહીં કરવા માટે પોલીસ કોન્સ્ટેબલ રજનીશ શ્રીમાળીને રૂપિયા 5 લાખ 30 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી પાસે રૂપિયા બે લાખની વ્યવસ્થા હોવાથી 2 લાખ આપવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ આ મામલે છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલના કહેવાથી રૂપિયા 2 લાખની લાંચ લેતા મિતુલ ઉર્ફે મોન્ટુ ગોહિલ નામના વ્યક્તિને એસીબીએ ઝડપી પાડ્યો છે. જ્યારે એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતાં જ પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો હતો. જે મામલે એસીબીએ વધુ કાર્યવાહી શરૂ કરી છે.