
અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન હાથી બેકાબૂ થયાની ગંભીર ઘટના બની છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે 3 ગજરાજ અચાનક બેકાબૂ થયા અને દોડવા લાગ્યા. બેકાબૂ હાથી લોકો તરફ ધસી આવતા રથયાત્રા જોવા આવેલા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા. જો કે મહાવત અને ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તાત્કાલિક હાથીને કાબુમાં લેતા સદનસીબે કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી. આ ઘટના બાદ ઘણા લોકોના મનમાં સવાલ થઇ રહ્યા હશે કે હાથી બેકાબૂ કેમ થયા છે, હાથીને ગુસ્સો કેમ આવે છે? ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા?
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન હાથી બેકાબુ થયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થઇ રહી હતી ત્યારે 3 હાથી બેકાબૂ થયા હતા. અમદાવાદ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો શર્વ શાહે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, રથયાત્રા દરમિયાન તીવ્ર અવાજ અને ભારે ભીડ જોઇ એક માદા હાથી ડરી ગઇ હતી.
ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે વિગતવાર જણાવ્યું કે, માદા હાથીને ડરેલી જોઇ રથયાત્રામાં જોડાયેલ એક નર હાથીએ રિકેશન કર્યું. માદા હાથીને સુરક્ષા પુરી પાડવા તે એને ઓછી ભીડ વાળા સ્થળ તરફ લઇ જવા દોડવા લાગ્યો. આ એક સહજ પ્રક્રિયા છે. જેવી રીતે જોખમ જોઇ મનુષ્ય પોતાના પરિવારનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે તેવી જ રીતે નર હાથી તેની બે માદા હાથીઓને ભીડથી દૂર લઇ જવા મથી રહ્યો હતો.
હાથી ગુસ્સે થવાના કારણો તણાવ પૂર્ણ માહોલ
હાથી સામાન્ય રીતે શાંતિ પ્રિય પ્રાણી કહેવાય છે. હાથીને ભીડ પસંદ નથી. અમદાવાદમાં રથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય છે, મોટા અવાજે ડીજે સાઉન્ટ સિસ્ટમ વાગે છે. શાંત વાતાવરણથી ટેવાયેલા હાથીઓ ભારે ભીડ અને મોટા અવાજ સાંભળી અકળામણ અનુભવે છે.
હાથીના વર્તનનું ખોટું અર્થઘટન
હાથીના કાન ફફડાવવા, સુંઢ હલાવવી અને તીવ્ર અવાજ અને લોકોની ભીડથી દૂર જવાના પ્રયાસ જેવા ઉત્તેજનાનાં ચિહ્નો દેખાઈ શકે છે, જેને આક્રમકતા અથવા ગુસ્સો તરીકે ખોટી રીતે અર્થઘટન કરી શકાય છે.
અજાણ્યું વાતાવરણ
માણસ જેમ હાથીઓ પણ અજાણ્યા સ્થળે અસહજ અનુભવ કરે છે. આસપાસના વાતાવરણથી અજાણ પ્રાણીઓ ગભરાટ અને દિશાહિન બનવાની સંભાવના વધારે હોય છે, જેના કારણે અણધાર્યું વર્તન કરી શકે છે.
હાથી સામે અપ્રિય વર્તણુક
હાથી સંવેદનશીલ પ્રાણી છે. હાથી સામે તેને ન ગમતી હરકત કે વર્તણુંક કરવાથી ગુસ્સે થઇ શકે છે. રસ્તે જતા હાથીને અડવાની કે છંછેડવાની ભૂલ કરવી જોઇએ નહીં. હાથી શાંતિ અને સ્થિર ઉભો ત્યારે જ તેની પાસે જવું જોઇએ. સૂંઢ, કાન કે પુંછડી અડવાથી હાથી અસહજ અનુભવે છે.
હાથીને કાબુમાં કેવી રીતે લેવાય છે?
ગુ્સ્સે ભરાયેલા હાથીને કાબુમાં લેવા માટે ઘણા રાજ્યોમાં હાથીનો સહાર લેવાય છે. આવા હાથીને કુમકી હાથી કહેવાય છે. કુમકી હાથી માદા હોય છે. કુમકી હાથી જંગલી હાથીઓ કરતા વધુ તાકાતવર હોય છે.