
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આવતીકાલે તારીખ 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025 નો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે.
ગુજરાતમાં વર્ષ 2013માં શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો આજે વૈશ્વિક કક્ષાએ પોતાની નામના મેળવી ચૂક્યો છે. આ વાર્ષિક પ્રકૃતિ ઉત્સવમાં ભારતભરમાંથી પ્રકૃતિ અને સંસ્કૃતિ પ્રેમીઓ મુલાકાત લે છે અને પોતાની સાથે અગણિત યાદોનો ભંડાર લઈને જાય છે. ફૂલોની ફોરમ અને રંગોને માનવીય કલાકારીથી અહીં સજ્જ કરવામાં આવે છે.
વર્ષ 2024 ના ફ્લાવર શોમાં અંદાજિત 20 લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. તેમજ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું.
વર્ષ 2025 નો ફ્લાવર શો વધુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધતા આપણા ભારત દેશના ભવિષ્યના માર્ગની પ્રતિકૃતિ દ્વારા ફરી એકવાર ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા જઈ રહ્યો છે.
ગત વર્ષ કરતા ફલાવર શો-2025 ના આયોજન પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 3 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે મુલાકાતિઓ માટે ટિકિટના દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ ફલાવર શો ટિકિટના ભાવ
અમદાવાદ ઈન્ટરનેશનલ ફલાવર શોમાં 12 વર્ષથી નાની વયના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ અપાશે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટના દર પ્રતિ વ્યકિત વર્ષ-2024માં રુપિયા 50 હતા. તેના બદલે આ વર્ષે ટિકિટના દર 75 રૂ. કરવામાં આવ્યા છે. ગત વર્ષે શનિરવાર અને રવિવારે પ્રતિ વ્યકિત ટિકિટના દર 75 રૂપિયા હતા. જે હવે રુપિયા 100 કરવામાં આવ્યા છે. ત્યાં જ ફલાવર શો દરમિયાન રોજ સવારે 9 થી 10 કલાક તથા રાત્રે 10 થી 11 કલાક પ્રાઈમ ટાઈમમમાં જો મુલાકાતીઓ ફલાવર શો જોવા માંગતા હશે તો પ્રતિ વ્યકિત રુપિયા 500 ટિકિટના દર વસૂલ કરાશે. બીજી તરફ મ્યુનિસિપલ શાળાના બાળકોને વિનામૂલ્યે ફલાવરશોમાં પ્રવેશ આપવામાં આવશે.
અમદાવાદ ફલાવર શો સમય અને સ્થળ
• તારીખ: 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025
• સમય: સવારે 9:00 થી રાત્રી 11:00
• સ્થળઃ ફલાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટર, ટાગોર હૉલ પાછળ, સાબરમતી રિવરફ્રન્ટ, પાલડી, અમદાવાદ.