
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન અપાવવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવનાર ઠગની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સચિવાલયમાં નોકરી કરતો હોવાની લાલચ આપતો હતો અને અત્યાર સુધીમાં લગભગ 250 લોકો પાસેથી રૂપિયા 3 કરોડ જેટલી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.
ઝોન 1 એલસીબી સ્કોડએ વિરમસિંહ ઉર્ફે વિરેન્દ્રસિંહ રાઠોડ નામના આરોપીની ધરપકડ કરી છે. મૂળ અમરેલીનો અને છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં રહેતા આ આરોપીએ ઘરનું ઘર કરવાનું વિચારતા અનેક લોકોના સપના પર પાણી ફેરવી દીધું છે. આરોપી પોતે સચિવાલયમાં નોકરી કરતો હોવાની ઓળખ આપીને જે લોકો સરકારી યોજનામાં મકાન લેવાનું વિચારી રહ્યા છે તેઓને મકાન અપાવવાની લાલચ આપતો હતો અને બાદમાં ટુકડે ટુકડે રૂપિયા પડાવી લેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધીમાં લગભગ 250 થી વધારે લોકોને મકાન અપાવવાની લાલચ આપીને રૂપિયા 3 કરોડ જેટલી રકમની છેતરપિંડી આચરી છે.
લોકોને વિશ્વાસમાં લેવા માટે આ ઠગ વેબસાઈટ પરથી મકાનની ફાળવણી પત્ર જેવા કેટલાક દસ્તાવેજો મેળવીને જે તે વ્યક્તિના નામે બનાવટી દસ્તાવેજો પણ બનાવતો અને ભોગ બનનારને આપતો હતો. એટલું જ નહીં, ભોગ બનનારને સરકારી ઓફિસમાં પણ લઈ જતો જ્યાં બનાવટી દસ્તાવેજો પર સહી કરાવવાનું નાટક પણ કરતો હતો. આરોપીએ લોકોને ફસાવવા માત્ર કેટલાક એજન્ટો પણ બનાવ્યા હતા જે એજન્ટોને અત્યાર સુધીમાં તેણે કમિશન પેટે 50 થી 60 લાખ જેટલી રકમ પણ ચૂકવી છે. પોલીસે આવા એજન્ટોની માહિતી મેળવીને તેમના બેંક એકાઉન્ટ સહિતની વિગતો પણ મેળવી છે.
આરોપી શરૂઆતના તબક્કે મકાનના રજિસ્ટ્રેશન પેટે રૂપિયા 30 હજાર અને દુકાનના રજિસ્ટ્રેશન પેટે 50 હજાર મેળવતો, બાદમાં ટુકડે ટુકડે વધુ રૂપિયા પડાવતો હતો. આરોપી વિરુદ્ધ વાસ્ત્રાપુર, સોલા અને નારણપુરામાં એમ ત્રણ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે. છેતરપિંડી આચરીને મેળવેલા રૂપિયામાંથી આરોપીએ ફૂડ કોર્ટ, શેરબજાર અને હેન્ડીક્રાફ્ટ જેવા ધંધામાં રોકાણ કરીને લાખો રૂપિયાનું નુકસાન પણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
ઉલ્લેખનીય છે કે, આવાસ યોજનાના મકાનોની ફાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની માહિતી આરોપીએ યુ ટ્યુબ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી મેળવી હતી. હાલમાં પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આરોપીએ જો કોઈ વ્યક્તિ પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા હોય તો તે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે.