
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમય ચાર જેટલા લૂંટારા ત્રાટક્યા હતા. જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો, જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂકની અણીએ બંધક બનાવી લૂંટ ચલાવી હતી.
લૂંટ કરવા આવેલા લૂંટારાઓએ પોતાની ઓળખ ન થાય એ માટે માથે હેલ્મેટ પહેરી રાખ્યા હતા. આ લૂંટના સીસીટીવી પણ સામે આવ્યા છે એમાં લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો છે ત્યાંથી બોપલ પોલીસ સ્ટેશન બે કિમી દૂર આવેલું છે.