
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે સંસદ સત્ર દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનાં છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતમાં કુલ 19 નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવી હતી. 2013-14 માં 22 મેડિકલ કોલેજ હતી, જે 2024-25 માં વધીને 41 થઈ છે. તેમણે જણાવ્યું કે, સરકારે મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો કર્યો છે અને ત્યારબાદ એમબીબીએસ સીટોમાં પણ વધારો કર્યો છે.
તેમણે કહ્યું કે દેશભરમાં મેડિકલ કોલેજો 2014 પહેલાં 387 હતી તે 102 ટકા વધીને અત્યારે 780 થઈ છે. વધુમાં, 2014 પહેલાં એમબીબીએસ સીટો 51348 હતી જેમાં 130 ટકાનો વધારો થયો જે અત્યારે 118137 થઈ છે. તેમણે કહ્યું કે, હાલની જિલ્લા હોસ્પિટલો સાથે જોડાયેલ નવી મેડિકલ કોલેજોની સ્થાપના માટે કેન્દ્રિય પ્રાયોજિત યોજના હેઠળ ઝારખંડના દુમકા, હજારીબાગ, પલામુ, ચાઈબાસા અને કોડરમા જિલ્લામાં મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ હેલ્થ મિશન હેઠળ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમનાં પ્રોગ્રામ અમલીકરણ યોજનાઓમાં મૂકેલી જરૂરિયાતોના આધારે તેમની આરોગ્યસંભાળ પ્રણાલીઓને મજબૂત કરવા માટે નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડે છે.વધુમાં, નેશનલ મેડિકલ કમિશન મેડિકલ કોલેજ શરૂ કરવા માટે પરવાનગીનો પત્ર જારી કરતી વખતે કોલેજનાં ભૌતિક મૂલ્યાંકન દ્વારા તેમનાં ધોરણો અનુસાર ફેકલ્ટી અને અન્ય જરૂરી સ્ટાફની ઉપલબ્ધ કરે છે.