
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ આતંકી હુમલામાં અત્યાર સુધીમાં 27થી વધુ પ્રવાસીઓના મોત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આતંકીઓએ પ્રવાસીઓને પહેલા નામ પૂછ્યા અને પછી કલમા પઢવા માટે કહ્યું હતું. આ સમગ્ર મામલે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર જવા માટે રવાના થઈ ગયા છે. આ ઘટના બાદ પીએમ મોદીએ પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી યોગ્ય પગલા ભરવા માટે જરૂરી નિર્દેશો આપ્યા છે.
આ મામલે બહારના 2 નાગરિકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. 1 થી 7 એપ્રિલ દરમિયાન આતંકીઓએ રેકી કરી હતી. જેમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મુદ્દે માહિતી આપવામાં આવી છે. આ ઘટનાને લઈને વડાપ્રધાન મોદીએ પણ કડી નિંદા કરી છે. આતંકીઓએ ગોળીઓ ચલાવતા પહેલા પ્રવાસીઓને કલમા પઢવા માટે કહ્યું હતું.
આતંકીઓએ દરેક પ્રવાસીઓને તેમના ધર્મ પૂછી પૂછીને ગોળી મારી હતી. સમગ્ર મામલે વડાપ્રધાન મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે દોષીઓને છોડવામાં નહીં આવે. જોકે આ ઘટનામાં એક ઇઝરાયલના નાગરિકની તેમજ અન્ય એક ઇટલીનો નાગરિક હોવાનું સામે આવ્યું છે. આ હુમલો બપોરના 2:35ની આસપાસ થયો હતો. જોકે 3:10 સુધીમાં સુરક્ષા એજન્સીઓ ત્યા પહોચી ગઈ હતી અને ઘાયલ પ્રવાસીઓને હોસ્પિટલ ખસેડાયા હતા.
આ સિવાય આ હુમલામાં ભાવનગરના વિનુ ભટ્ટ પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ દ્વારા આ હુમલાને લઈને સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. અગાઉ 2019માં પુલવામાં હુમલો થયો હતો ત્યારબાદ ફરી વાર ભારતમાં મોટો હુમલો થયો છે. જેને લઈને દેશમાં આ મુદ્દો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.