રમઝાન માસ પૂર્ણ થતાં ખંભાતમાં શુક્રવારે સાંજે ચાંદ દેખાયો હતો. આ સાથે મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને સૌએ એકબીજાને ચાંદ મુબારકની શુભેચ્છાઓ પાઠવી હતી.ઇદ-ઉલ-ફિત્ર પર્વ નિમિત્તે ખંભાતના ઇદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા. તેમણે ઇદની નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ એકબીજાને ભેટી ઇદ મુબારકની શુભેચ્છાઓ આપી હતી.
ઇદ પર્વ નિમિત્તે ખંભાતમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લાની એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિત ખંભાત પોલીસે વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી.પોલીસ દ્વારા લોકોને કોમી એકતા અને સૌહાર્દ સાથે તહેવાર ઉજવવા અપીલ કરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર તાલુકામાં રમઝાન ઇદ શાંતિપૂર્ણ અને સુખદ માહોલમાં ઉજવાઈ હતી.
ખંભાતની ઇદગાહ ખાતે ઈદ-ઉલ-ફિત્રની નમાઝ બાદ ઈમામ સાહેબે સંબોધન કરતાં પવિત્ર રમઝાન માસ દરમિયાન રાખવામાં આવતા રોજાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઈદ-ઉલ-ફિત્રના પર્વની ધાર્મિક અને સામાજિક મહત્તા પણ સમજાવી હતી.ઈમામ સાહેબે ખાસ કરીને સમાજમાં શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને યુવાનો-યુવતીઓને પોતાના ભવિષ્ય માટે શિક્ષણ અનિવાર્ય હોવાનું જણાવી જાગૃત કર્યા હતા.તેમણે સંદેશ આપ્યો કે શિક્ષણથી જ સમાજમાં પ્રગતિ, એકતા અને સશક્તિકરણ શક્ય છે.
પ્રાચીન નવાબી નગરી ખંભાતમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. શહેરના ત્રણ દરવાજા, ચિતારી બજાર, પીઠ બજાર, લાલ દરવાજા, જહાંગીરપુર જેવા વિસ્તારોમાં તેમજ કંસારી, નગરા, જલુંધ, પીપળોઈ, ઉંદેલ, કલમસર, બુધેજ, ટીંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઇદ-ઉલ-ફિત્ર નિમિત્તે મસ્જિદોમાં ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી.
ખંભાત શહેરના ઇદગાહ મેદાન, જુમ્મા મસ્જિદ તેમજ અન્ય વિવિધ મસ્જિદોમાં વહેલી સવારે ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈને ઈબાદત કરી અને શાંતિ-સુખ માટે દુઆ માગી હતી.આ રીતે સમગ્ર ખંભાત તાલુકામાં રમઝાન ઈદ પર્વની શ્રદ્ધાભેર અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન સર્વત્ર ભાઈચારો અને એકતાનો સંદેશ જોવા મળ્યો હતો.





