
આપણામાંથી મોટાભાગના લોકોને જમ્યા પછી કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે. સામાન્ય રીતે લોકો મીઠાઈ, આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. જો કે તેમા મળતી ખાંડ સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.
માટે આ મીઠાઈઓ ખાધા પછી ખાવાને બદલે ડાર્ક ચોકલેટનો એક નાનો ટુકડો ખાવાથી ફાયદો થઈ શકે છે. ડાર્ક ચોકલેટ માત્ર સ્વાદમાં જ ઉત્તમ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.
આવો જાણીએ જમ્યા પછી ડાર્ક ચોકલેટ ખાવાથી શું ફાયદા થાય છે.
બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.જો તમે મીઠુ ખાવાના શોખીન છો, પરંતુ ડાયાબીટીસ કે બ્લડ શુગરની સમસ્યા છે તો ડાર્ક ચોકલેટ એક સારો વિકલ્પ બની શકે છે. ડાર્ક ચોકલેટમાં ખાંડની માત્રા ઓછી હોય છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં મદદ કરે છે. તેમાં હાજર કોકો પોલિફેનોલ્સ બ્લડ સુગર લેવલને સ્થિર રાખવામાં મદદરૂપ થાય છે.
હૃદયની તંદુરસ્તી માટે ફાયદાકારક.
ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઇડ્સ જોવા મળે છે, જે હૃદયરોગનું જોખમ ઘટાડે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં, ખરાબ કોલેસ્ટ્રોલ (એલડીએલ) ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ (એચડીએલ) વધારવામાં મદદ કરે છે. તેને નિયમિત રીતે ખાવાથી ધમનીઓમાં લોહીનો પ્રવાહ સુધરે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.
મુડ બૂસ્ટર
જમ્યા પછી ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ સારો થાય છે. તેમાં રહેલા સેરોટોનિન અને એન્ડોર્ફિન જેવા રસાયણો તણાવ અને ચિંતાને ઘટાડે છે. આ ઉપરાંત તેમાં મેગ્નેશિયમ પણ હોય છે, જે શરીરને રિલેક્સ કરવામાં મદદ કરે છે અને ઊંઘની ગુણવત્તા સુધારે છે.
પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
ડાર્ક ચોકલેટમાં રહેલા ફાઈબર પાચનમાં સુધારો કરે છે. તે આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયા (પ્રોબાયોટિક્સ)ને પ્રોત્સાહન આપે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. જમ્યા પછી તેનો એક નાનો ટુકડો ખાવાથી એસિડિટી અને અપચાની સમસ્યા પણ ઓછી થાય છે.
વજન નિયંત્રણમાં મદદરૂપ થાય છે.
જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો મીઠાઈને બદલે ડાર્ક ચોકલેટ ખાવાથી ફાયદો થઈ શકે છે. તેમાં કેલરી ઓછી હોય છે અને ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાર્ક ચોકલેટ ખાવાથી તૃષ્ણા ઓછી થાય છે, જે તમને બિનઆરોગ્યપ્રદ નાસ્તો ખાવાથી બચાવે છે.
મગજના આરોગ્યને સારું રાખે છે.
ડાર્ક ચોકલેટમાં હાજર કોકો મગજની કાર્ય કરવાની ક્ષમતામાં સુધારો કરે છે. તે યાદશક્તિને તેજ કરવામાં, ફોકસ વધારવામાં મદદ કરે છે.
કેટલી ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ ?
ડાર્ક ચોકલેટના ફાયદા મેળવવા માટે, દરરોજ માત્ર 20-30 ગ્રામ (એક નાનો ટુકડો) ખાઓ. તેને વધુ માત્રામાં ખાવાથી કેલરીનું સેવન વધી શકે છે. આ ઉપરાંત, ઓછામાં ઓછા 70% કોકો સાથે ડાર્ક ચોકલેટ પસંદ કરો, કારણ કે તેમાં ખાંડ ઓછી હોય છે.