
વડોદરામાં જે પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું તે તાતા ઍડવાન્સ સિસ્ટમે યુરોપની ઍરોસ્પેસ અને ડિફેન્સ તથા કૉમર્શિયલ વિમાનો, હૅલિકૉપ્ટર વગેરેનું નિર્માણ કરતી ત્રણ દેશોએ ભાગીદારીમાં વિકસાવેલી કંપની ઍરબસ સાથેના સંયુક્ત સાહસના ભાગરૂપે તૈયાર કર્યો છે.આ પ્લાન્ટમાં તાતા અને ઍરબસ ભારતીય વાયુદળ માટે C-295 MW કાર્ગો વિમાનનું ઉત્પાદન કરશે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ‘મૅક ઇન ઇન્ડિયા, મૅક ફૉર વર્લ્ડ’ને ચરિતાર્થ કરશે. તો સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે આ પ્રોજેક્ટને કારણે ભારત અને સ્પેનના સંબંધમાં નવો ઇતિહાસ લખાશે. ભારતની સંરક્ષણ અને સ્પેસ ક્ષમતાઓમાં વૃદ્ધિ થશે.
આ એક ખાનગી ઍરક્રાફ્ટ મૅન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ભારતીય વાયુસેના માટે ભારતમાં વિમાન મૅન્યુફેક્ચરિંગનો પ્રથમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 21 હજાર 935 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.30 ઑક્ટોબરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં શિલાન્યાસ વખતે કહ્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા, મેક ફૉર ગ્લોબ સાથે ભારત પોતાની તાકાત વધારી રહ્યું છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રાસંગિક ઉદ્ધબોધનમાં કહ્યું, “થોડા સમય પહેલાં આપણે રતન તાતા ગુમાવી દીધા. જો તેઓ હયાત હોત, તો તેમને સૌથી વધુ ખુશી થઈ હોત. નવા ભારતના નવા વર્ક કલ્ચરને રજૂ કરે છે. બે વર્ષ પહેલાં ઑક્ટોબર મહિનામાં આ પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું અને “વડા પ્રધાન મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડોદરા તથા તેની આજુબાજુનો વિસ્તાર ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે હબ બનશે. અહીં બનનારા વિમાન ભવિષ્યમાં વિદેશમાં પણ નિકાસ થશે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત-સ્પેન વચ્ચેના સંબંધને નવી દિશા આપશે.આ તકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિખ્યાત લેખક અને પદ્મશ્રી ફાધર વાલેસને યાદ કર્યા હતા.સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું, “આજે આપણે ન કેવળ અત્યાધુનિક ઔદ્યોગિક એકમનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, પરંતુ તે બે મોટી કંપનીઓ વચ્ચેના સહકારનો પ્રતીકરૂપ પ્રોજેક્ટ છે. તમે ભારતને ઔદ્યોગિક પાવરહાઉસ બનાવવા માગો છો અને વેપાર માટે રોકાણને આકર્ષવા માગો છો.””તાતા અને ઍરબસની ભાગીદારી ભારતમાં ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રી માટે પ્રદાન આપશે. તે અનેક નવી યુરોપિયન કંપનીઓ માટે દરવાજા ખોલી આપશે. તેનાથી ભારતના ડિફેન્સ અને ઍરોસ્પેસ સૅક્ટરમાં નવો અધ્યાય શરૂ થશે.””સ્પેન એ ઍરબસ કૉન્સોર્ટિયમનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. જે યુરોપનાં મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મૂલ્યોમાં સહકાર, આધુનિકતા તથા વિકાસનો સમાવેશ થાય છે.”પેડ્રો સાંચેઝે કહ્યું હતું કે સ્પેન ભારતનું વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદાર બની રહેવા માટે કટિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રોજેક્ટને કારણે ખૂબ જ કૌશલ્યવાન એન્જિનિયરો અને ટેક્નિશિયનોની નવી પેઢી તૈયાર થશે.વડોદરાની બેઠક પરથી લોકસભાના સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશીએ કાર્યક્રમ શરૂ થયો એ પહેલાં ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલાં ‘મૅડ ઇન ઇન્ડિયા’ અભિયાનની શરૂઆત કરી હતી. આજે તેઓ આ ઍસેમ્બ્લી લાઇનનું ઉદ્ઘાટન કરશે. આ ઐતિહાસિક ક્ષણ છે.”સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ડૉ. અજયકુમારે અગાઉ કહ્યું કે, “આ પ્રોજેક્ટ હેઠળ સંપૂર્ણ રીતે ભારતમાં નિર્માણ પામેલાં 16 વિમાનો વાયુદળને આપવામાં આવશે, જ્યારે 40 વિમાનોનું ભારતમાં તાતા દ્વારા ઉત્પાદન કરવામાં અને ઍસેમ્બ્લ કરવામાં આવશે.”
આ વિમાનની ખાસિયતો:
Armed/ Ground ISR- ઍરબસ ડૉટ કૉમની વેબસાઇટ અનુસાર, આ ઍરબસનો ઉપયોગ હવામાં ઉડતા રડાર તરીકે પણ થાય છે. જેનો ઉપયોગ ક્લોઝ-ઍર-સપોર્ટ ઑપરેશનમાં કરી શકાય છે.
• તે જંગલની આગ સામે લડવા માટે પણ કુશળ સાધન છે, જે વૉટર બૉમ્બરનું કામ કરે છે.
• આ વિમાન નેવીને પણ મદદરૂપ થાય છે, તે દરિયાઈ લડાઈ વચ્ચે લાંબા સમય માટે ઉપયોગી પૂરવાર થાય છે.
• ઍરબૉર્ન અર્લી વૉર્નિંગ માટે પણ સી-295 ઉપયોગી છે, તે 360 ડિગ્રી હવાઈ વિસ્તારની આખી તસવીર આપે છે.
• હવાથી હવામાં ઈંધણ ભરવા માટે તે રિમૂવેબલ રિફ્યૂલિંગ કિટ ધરાવે છે. જેનાથી 6000 કિલોગ્રામ જેટલું ઈંધણ બદલી શકાય છે.
• વીઆઈપી પરિવહનમાં પણ તે ઉપયોગી છે, કેમકે તે પૅલેટાઇઝ્ડ વીઆઈપી-સીટ મોડ્યૂલ ધરાવે છે.
• મેડિકલ ઇમર્જન્સીમાં પણ તે ઉપયોગી નીવડે છે. તેમાં 24 સ્ટ્રૅચર અને સાત મેડિકલ ઍટેન્ડન્ટ તેમાં આવી શકે છે.