આગામી તા. 7મી ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થાના એક લાખ કાર્યકરો એકઠા થશે. તા. 7મીના પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મ જયંતી છે અને એ જ દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.
અમદાવાદમાં શાહીબાગ મંદિર બહાર બોર્ડ લગાવાયું અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS મંદિરના ગેટ નં.2 પાસે કાર્યકર સુવર્ણ મહોત્સવનું બોર્ડ લગાવાયું છે. જેમાં 1972 થી 2022ના 50 વર્ષ નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે તેવું દર્શાવાયું છે. BAPSના વડા મહંત સ્વામીની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થશે.
પુરૂષો અને મહિલા માટે ડ્રેસ કોડ કાર્યકર સુવર્ણ મહોત્સવ માટે કાર્યકરોને ખાસ ડ્રેસ કોડ અપાયો છે. પુરૂષ કાર્યકરોએ કાળા કલરનું પેન્ટ પહેરવાનું રહેશે. તેમને સંસ્થા તરફથી જર્સી પણ અપાશે. જ્યારે મહિલાઓને ડ્રેસ પહેરવાની સૂચના આપવામાં આવી છે તેવી હરિભક્તોમાં ચર્ચા છે.
1 ડિસેમ્બરથી કાર્યકરો સ્ટેડિયમનો કબજો લેશે દેશ-વિદેશથી આવેલા 1 લાખ કાર્યકરો અને હરિભક્તો કાર્યક્રમમાં ભાગ લેવાના હોવાથી કોઇ મોટી જગ્યાની જરૂર હતી. જેના કારણે અમદાવાદના સાબરમતીમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી કરાઇ છે.
સંસ્થાએ સ્ટેડિયમને ભાડે રાખી લીધું છે. તૈયારી માટે કાર્યક્રમના 5-6 દિવસ અગાઉ એટલે કે 1 ડિસેમ્બર આસપાસથી સંસ્થાના કાર્યકરો સ્ટેડિયમનો કબજો લઇ લેશે અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમની તૈયારીમાં લાગી જશે. કાર્યક્રમની સત્તાવાર રૂપરેખા હવે પછી જાહેર થશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. BAPSના સંતોએ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી સંતોએ સ્ટેડિયમની મુલાકાત લીધી 3 કલાક સુધી ચાલનારા આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે BAPSના સંતોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થા સહિતની અન્ય બાબતોની વિગતો મેળવી હતી. તેના આધારે આખું વ્યવસ્થા તંત્ર ગોઠવાશે.પહેલી વખત ધાર્મિક કાર્યક્રમ માટે સ્ટેડિયમ ભાડે અપાશે પ્રાપ્ત માહિતી મુજબ કોઇ ધાર્મિક કાર્યક્રમ માટે પહેલી વખત BAPSને સ્ટેડિયમ ભાડે આપવાનો નિર્ણય ઉચ્ચ કક્ષાએથી લેવાયો છે. અગાઉ સ્ટેડિયમ અમૂલને ભાડે આપવામાં આવ્યું હતું. સ્ટેડિયમનું ભાડું વગેરે જેવી બાબતો પણ ઉચ્ચ કક્ષાએ જ નક્કી થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
દેશ-વિદેશથી આવનારા હરિભક્તો માટે અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા કાર્યક્રમમાં ભાગ લેવા આવનારા દેશ-વિદેશના હરિભક્તો માટે અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા કરાશે. આ માટે સંસ્થા સાથે સંકળાયેલા બિલ્ડરોએ મકાનો અને ફ્લેટનો સર્વે પણ શરૂ કરી દીધો છે.મહંત સ્વામીએ નીલકંઠવર્ણીની મૂર્તિનાં દર્શન કર્યાં મહંત સ્વામીના હસ્તે ગાંધીનગરમાં 11મી નવેમ્બરે નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી મૂર્તિની સ્થાપના થવાની છે. જેના માટે મહંત સ્વામી 4 નવેમ્બરથી અક્ષરધામમાં છે. આ મૂર્તિ તૈયાર થઇ ગઇ છે અને મહંત સ્વામીએ તેનાં દર્શન કર્યાં હતાં. મૂર્તિની સ્થાપના કરાવ્યા બાદ તેઓ 11મી તારીખે જ રાત્રે અમદાવાદ આવશે.મહંત સ્વામીએ અક્ષરધામમાં બનાવાયેલી નીલકંઠવર્ણીની મૂર્તિનાં દર્શન કર્યાં હતાં. 7મી ડિસેમ્બરે મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ બાદ મહંત સ્વામી 13 અથવા 14 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા વિચરણ કરવા જશે તેવું સૂત્રોએ કહ્યું છે.
મહંત સ્વામી મહારાજ હાલમાં ગાંધીનગરના અક્ષરધામમાં છે.
2022માં વિચારબીજ રોપાયા વર્ષ 2022માં કાર્યકર મંડળોને 50 વર્ષ પૂર્ણ થયાં હતાં. એ સમયે BAPSના વડા મહંત સ્વામીને કાર્યકરોનું સન્માન કરવાનો વિચાર આવ્યો હતો. જો કે ત્યારે કોરોના તેમજ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને ધ્યાને લઇ તેનો અમલ નહોતો કરાયો. સૂત્રોએ જણાવ્યું છે કે મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમના વિચારબીજ ત્યારે જ રોપાઇ ગયા હતા અને એટલે જ છેલ્લા 1 વર્ષથી કાર્યક્રમના અંતે જેમ બધાની જય બોલાવવામાં આવે છે.
તે જ રીતે કાર્યકર સુવર્ણ મહોત્સવની પણ જય બોલાવાય છે. પ્રમુખસ્વામી મહારાજે 1972માં શરૂઆત કરાવી હતી યોગીજી મહારાજના સમયમાં બાળ મંડળો અને યુવક મંડળો હતાં. યોગીજી મહારાજની આજ્ઞાથી પ્રમુખસ્વામી મહારાજે વર્ષ 1972માં કાર્યકર નિમવાનું શરૂ કર્યું હતું. જેમ-જેમ સમય વિતતો ગયો તેમ-તેમ સંપ્રદાયનો વ્યાપ વધવાની સાથોસાથ કાર્યકરોનો સમૂહ પણ વધતો ગયો. હવે કાર્યકરોનો સમૂહ વિશાળ વટવૃક્ષ થઇ ગયો છે.વિશ્વમાં BAPSનાં 1300થી વધુ મંદિરો વિશ્વભરમાં BAPSનાં 1300થી વધુ મંદિરો, 1200થી વધુ સુશિક્ષિત સાધુઓ, 80 હજારથી વધુ સ્વયંસેવકો, હજારો બાળસભા કેન્દ્રો, સેંકડો યુવા સભા કેન્દ્રો સિવાય લાખો રવિ સભા અને મહિલા સભા કેન્દ્રો ચાલી રહ્યાં છે.
બોચાસણમાં BAPSનું મુખ્ય મંદિર આવેલું છે.
1799માં ભગવાન સ્વામિનારાયણ પહેલીવાર બોચાસણ આવ્યા હતા ભગવાન સ્વામિનારાયણ વર્ષ 1799માં નીલકંઠવર્ણી તરીકે ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ બોચાસણ પહેલી વાર પધાર્યા હતા અને આ ગામમાં પ્રાચીન રામજી મંદિરમાં તેમણે ભગવાનની આરતી ઉતારી હતી. ગામના વડીલ કાશીદાસ મોટાએ ભગવાન નીલકંઠવર્ણીને બોચાસણમાં જ વસી જવા આગ્રહ કર્યો તો ભગવાને તેમને કહ્યું હતું કે, એક દિવસ અહીં હું મારા સૌથી પ્રિય ભક્તની સાથે જ કાયમ માટે આવીને વસીશ.શાસ્ત્રીજી મહારાજે BAPSની સ્થાપના કરી પોતાના જીવનકાળમાં સ્વામિનારાયણ ભગવાન કુલ 32 વખત બોચાસણ આવ્યા હતા.
દર વખતે તેઓ કાશીદાસના બળદગાડામાં જ બિરાજીને વિહાર કરતા હતા. યોગાનુયોગ શાસ્ત્રીજી મહારાજ 5 જૂન, 1905ના રોજ વડતાલધામથી અલગ થઈને સૌ પ્રથમ બોચાસણમાં જ આવ્યા અને બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના કરી. શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાનો વિકાસ કર્યો. આજે મહંત સ્વામી આ સંસ્થાના અધ્યક્ષ છે.






