
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ચાલતા સ્પા સેન્ટરોમાં કેટલાક પોલીસકર્મીઓ દ્વારા થયેલી બેફામ ઉઘરાણીના અનેક આક્ષેપો વચ્ચે કોન્સ્ટેબલ વિજય શ્રીમાળી નામના પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ છે. સ્પા-સંચાલકો પાસેથી હપતા લઈ 1.3 કરોડની સંપત્તિનો કોન્સ્ટેબલ માલિક બન્યો હોવાની ACB અને સાયબર ક્રાઈમની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. અપ્રમાણસર મિલકત અને રોકાણ ખર્ચનું મૂલ્યાંકન રૂ. 1.3 કરોડ થાય છે, જેમાંથી રૂ. 31.6 લાખની મિલકત/રોકાણ વધુ છે એટલે કે 23.55 ટકા વધારે છેપોલીસ કમિશનરના આદેશ બાદ સાયબર ક્રાઈમ વિભાગે તેના વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. તપાસમાં પત્નીના નામે પ્લોટ, મહારાષ્ટ્રમાં ત્રણ વીઘા જમીન, 26 લાખની FD અને અન્ય જમીન-ફ્લેટના પુરાવા મળ્યા બાદ હવે વિજય શ્રીમાળી વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
વિજય શ્રીમાળી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ની કલમ 13(1)(e) અને 13(2) હેઠળ ગુનો નોંધાયો છે. નાયબ પોલીસ કમિશનર ઝોન-2 ના સુપરવિઝન હેઠળ અને ‘એલ’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનરની દેખરેખ હેઠળ તપાસ ચાલુ છે.