અમદાવાદમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન રોડ ઉપર આવેલા ધ ઓઝોન સ્પામાં એલસીબી ઝોન 7 સ્ક્વોડની ટીમ દ્વારા ડમી ગ્રાહક મારફતે દરોડો પાડી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ઝડપી પાડવામાં આવી છે. પોલીસે સ્પામાંથી 3 યુવતીઓ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે. ધ ઓઝોન સ્પાના માલિક અને મેનેજર દ્વારા મેમ્બરશીપ આપવામાં આવતી હતી. યુવતીઓના ગ્રાહક દીઠ 1500 રૂપિયા લેવામાં આવતા હતા. પોલીસે સ્પાનાં માલિકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
8 અલગ અલગ પાર્ટીશન કરી રૂમ બનાવ્યા હતા.
મળતી માહિતી મુજબ, એલસીબી ઝોન 7ના પીએસઆઇ વાય. ટી. જાડેજાને બાતમી મળી હતી કે, સિંધુભવન રોડ ઉપર સિલ્વર રેડિયમ કોમ્પ્લેક્સમાં આવેલા ધ ઓઝોન સ્પામાં દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલે છે. જેથી એલસીબીની ટીમ દ્વારા એક ડમી ગ્રાહક ઊભો કરવામાં આવ્યો હતો. જેને સ્પામાં મોકલવામાં આવ્યો હતો. સ્પામા દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે ડમી ગ્રાહકને સમજાવવામાં આવ્યો હતો અને ઝૂ પ્રવૃત્તિ જણાય તો તેને જાણ કરવા કહેવામાં આવ્યું હતું.
પોલીસે રૂમમાં તપાસ કરતા ત્રણ રૂમમાંથી મૂળ નાગાલેન્ડ અને દિલ્હીની ત્રણ મહિલાઓ મળી આવી હતી. તેમજ ત્રણ ગ્રાહકો મળી આવ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, સ્પાના માલિક અયાન મુબારકભાઈ રંગરેજ અને મોહસીન મુબારક ભાઈ રંગરેજ સ્પાના માલિક છે. બપોરે 12થી રાત્રે 8:30 વાગ્યા સુધી તેઓ સ્પામાં આવે છે અને દરેક ગ્રાહક દીઠ 1500નો સાંજે હિસાબ કરી અને પૈસા આપે છે. સ્પામાં આવેલા ગ્રાહકોને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ સ્પામાં મેમ્બરશીપ લીધી છે અને તેના આધારે તેઓ અહીંયા આવ્યા હતા. પોલીસે સ્પાના માલિકને ફોન કરી અને બોલાવવા કહ્યું ત્યારે તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.
સ્પાની દુકાનનો ભાડા કરાર પણ કરેલ નથી
દુકાનનો ભાડા કરાર માગવા છતાં ભાડા કરાર પણ મળી આવ્યો નહોતો. જેથી પોલીસે ધ ઓઝોન સ્પામાં દરોડો પાડી ત્રણ જેટલી મહિલાઓ અને ગ્રાહકો તેમજ સ્પાના મેનેજરને ઝડપી પાડ્યા હતા. પોલીસે પાના મેનેજર કૈલાશ ભારતી તેમજ અયાન રંગરેજ અને મહેબૂબ રંગરેજ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






