મોટાભાગનાં લોકો તેમનાં દિવસની શરૂઆત ગરમ કોફીથી કરે છે. ઘણાં લોકો કોફી પીવાથી તાજગી અનુભવે છે અને તેમને તેનાથી ઉર્જા મળે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના જણાવ્યાં અનુસાર બ્લેક કોફી પીવાના ઘણાં ફાયદા છે.જો તમે એક મહિના સુધી સતત બ્લેક કોફી પીઓ છો તો શરીરને તેનાં ઘણાં ચોંકાવનારા ફાયદા મળી શકે છે, જેનો ઉલ્લેખ રિસર્ચમાં પણ કરવામાં આવ્યો છેબ્લેક કોફી શરીરને સ્વસ્થ રાખે છે અને મનને પણ શાંત રાખે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે ટાઈમિંગ, યોગ્ય માત્રા અને તમારું શરીર સ્વાસ્થ્ય લાભો પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, કેફિન અને વિટામિન બી જેવાં આવશ્યક પોષક તત્વો હોય છે.
કોફીમાં હાજર કેફીન માનસિક સતર્કતા વધારે છે. આનાથી તમે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને યાદશક્તિને પણ મજબૂત બનાવી શકો છો. કેફીન એડીનોસાઇન રીસેપ્ટરના કાર્યને અવરોધિત કરીને ડોપામાઇન અને નોરેપિન્ક્રિન જેવા ટ્રાન્સમિટરના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. આ ટ્રાન્સમિટર્સ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સક્રિય કરવાનું કામ કરે છે.
ઊંઘ પર આ અસર થાય છે :-
ડોક્ટરના જણાવ્યાં પ્રમાણે કોફી ડોપામાઇન લેવલ વધારીને તમને સારું ફીલ કરાવી શકે છે. પરંતુ વધુ પડતી કોફી પીવાથી તમને ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઊંઘ પર તેની અસર પડી શકે છે.જો તમે કોઈ પણ પ્લાનિંગ વગર રોજ કોફી પીઓ છો, તો તમને ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. કેફીન એડીનોસાઇન રિસેપ્ટરને અવરોધિત કરી શકે છે, જે ઊંઘ માટે જરૂરી છે.
ચયાપચયની ક્રિયા ઝડપી બનશે :-
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે બ્લેક કોફીનું સેવન કરી શકો છો. આ મેટાબોલિઝમને વેગ આપે છે અને ઝડપથી કેલરી બર્ન કરે છે. આ શરીર પર જમા થયેલી વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. આ સાથે જ લીવર પણ હેલ્ધી રહે છે.લિવર સિરોસિસ અને ફેટી લિવરના જોખમને ઘટાડવા ઉપરાંત, તે લીવરના ઉત્સેચકોને પણ સુધારે છે. લિવર એન્ઝાઇમ્સ એ યકૃતમાં જોવા મળતાં પ્રોટીન છે, જે પાચન અને અન્ય ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં મદદ કરે છે.
ડાયાબિટીસનું જોખમ ઘટશે :-
કેટલાક રિસર્ચ અનુસાર બ્લેક કોફી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. તેમાં જોવા મળતાં તત્વો ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરે છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. તેમાં રહેલાં એન્ટિઓક્સિડેન્ટ ઓક્સિડેટીવ સ્ટ્રેસ અને બળતરા ઘટાડે છે, જેથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે. જોકે ખાલી પેટ પર બ્લેક કોફીનું સેવન ન કરવું જોઈએ. આ પાચન તંત્રમાં ખલેલ પેદા કરી શકે છે.








